વડોદરામા નકલી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ, આઠ લોકોની ધરપકડ

વડોદરામાં SOG (સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ)એ સયાજીગંજ વિસ્તારમાંથી બોગસ પાસપોર્ટ કૌભાંડ ઝડપાયું છે. એસઓજીએ કાર્યવાહી દરમિયાન સ્પેનના પાંચ નકલી પાસપોર્ટ સાથે આઠ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં બે મુખ્ય આરોપ તેમજ એક તેના સહાયક તેમજ પાસપોર્ટ લેવા માટે આવેલા પાંચ લોકોનો સમાવેશ થાય છે.

વડોદરા પોલીસની એસઓજીને બાતમી મળી હતી કે શહેરનાં સયાજીગંજ વિસ્તારમાં રાજેશ્રી ટોકિઝ પાસે નકલી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જે અનુસંધાને પોલીસે દરોડાં કરી સ્પેન દેશનાં નકલી પાંચ પાસપોર્ટ પોતાના કબ્જામાં લઇને ફરતાં આઠ શખ્સોની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા લોકો પાસેથી ભારતના પણ 17 પાસપોર્ટ મળી આવ્યા હતા. સ્પેનના ફૅક પાસપોર્ટ તમામ લોકો બેંગલુરુમાંથી લાવ્યા હોવાની માહિતી પોલીસે આપી હતી.

જેમાં વિદેશ જવાની લાલસામાં પાંચ જેટલા યુવકોને આરોપી દેવેન નાયક અને કિર્તિ ચૌધરીએ વડોદરા ખાતે વેરિફિકેશનનાં નામે બોલાવ્યાં હતાં. જોકે, તે જ સમયે પોલીસને બાતમી મળી હતી કે કેટલાંક ઇસમો શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આથી પોલીસે દરોડાં પાડી આઠ ઇસમોને ઝડપી લીધાં હતાં.

ઝડપાયેલા તમામ આરોપીઓ પૈકી એકપણ આરોપી વડોદરાનો નથી. તમામ ભેજાબાજો અમદાવાદ અને મહેસાણાનાં છે. આરોપીઓ અમદાવાદ અને મહેસાણામાં ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવે છે. આ તમામ લોકો છેલ્લા સાત વર્ષથી ઓફિસ ચલાવતા હોવાની માહિતી મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.