વેતન પણ નહીં અને ઘરે જવાની સગવડ પણ નહીંઃ UPથી લઈને પંજાબ-રાજસ્થાનમાં મજૂરોનું પ્રદર્શન

સાઈકલ દ્વારા નોએડાથી મધ્ય પ્રદેશ સહિતના સ્થળોએ જઈ રહેલા મજૂરોને રોકવામાં આવતા યમુના એક્સપ્રેસવે ચક્કાજામ કર્યો

 

દેશના અનેક ક્ષેત્રોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની વતનવાપસી ચાલુ છે. ત્યારે આ બધા વચ્ચે વિવિધ શહેરોમાંથી મજૂરો અને ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓના વિરોધ પ્રદર્શનની ઘટનાઓ પણ ખૂબ સામે આવી રહી છે. મથુરામાં યમુના એક્સપ્રેસવે પર રોકવામાં આવ્યા ત્યાર બાદ મજૂરોએ આખો હાઈવે ચક્કાજામ કરી દીધો હતો.

પંજાબના સંગરૂરમાં વેતન અને બળજબરીપૂર્વક કામ કરાવવાને લઈ મજૂરોએ પ્રદર્શન કર્યું તો અલવરમાં વેતન ન મળવાના કારણે મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા. પોલીસે મજૂરો પર લાઠીચાર્જ કર્યો અને કેસ દાખલ કરવાની ધમકી પણ આપી. રાજસ્થાનના ભીલવાડામાં પણ પગાર રોકવામાં આવ્યો ત્યાર બાદ મજૂરોએ રસ્તા પર કકળાટ કર્યો.

યમુના એક્સપ્રેસવે પર ચક્કાજામ

ગુરૂવારે કેટલાક મજૂરો પોતાની સાઈકલ લઈને ઘરે જઈ રહ્યા હતા તે સમયે આગ્રા-મથુરા બોર્ડર પર પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. આ કારણે ઉશ્કેરાયેલા મજૂરોએ યમુના એક્સપ્રેસવે પર જામ કર્યો હતો. મજૂરો નોએડાથી મધ્ય પ્રદેશ અને અન્ય સ્થળોએ જઈ રહ્યા હતા અને તેમના દ્વારા ચક્કાજામ કરાયાની ખબર મળતા જ હડકંપ મચી ગયો હતો અને ટ્રક-બસમાં બેસાડીને તેમને રવાના કરાયા હતા.

સંગરૂરમાં મજૂરોનું પ્રદર્શન

સંગરૂર ખાતે આવેલી એક ખાનગી મિલના કર્મચારીઓએ પણ ગુરૂવારે પ્રદર્શન કર્યું હતું. તેમણે પગાર ઓછો આપવામાં આવતો હોવા ઉપરાંત બહારની સરખામણીએ રાશનની વધુ કિંમત લેવાતી હોવાની અને બહાર જતા અટકાવવામાં આવતા હોવાની ફરિયાદ સાથે પ્રદર્શન કર્યું હતું. આ મામલે ચાર દિવસ પહેલા પણ પ્રદર્શન થયું હતું.

અલવરમાં પગાર માટે પ્રદર્શન

અલવર જિલ્લાના ભિવંડી ખાતે પગાર ન મળવાના કારણે નારાજ મજૂરોએ ગુરૂવારે ફેક્ટરીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટના સ્થળે પહોંચી ગયેલી પોલીસે મજૂરો પર લાઠીચાર્જ કરી તેમને ભગાડ્યા હતા અને કેસ નોંધવાની ધમકી આપી હતી. બાદમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે મામલો થાળે પાડીને ફેક્ટરી માલિકને વેતન ચુકવવા નિર્દેશ આપ્યો હતો.

ભીલવાડામાં મજૂરો દ્વારા દેખાવો

અલવરની માફક ભીલવાડામાં પણ મજૂરોએ વેતન માટે પ્રદર્શન કર્યું હતું. ભીલવાડા-ચિત્તોડગઢ રાજમાર્ગ ખાતે આવેલી એક ફેક્ટરીના મજૂરોએ માર્ચ અને એપ્રિલના વેતન માટે ધમાલ કરી હતી. મજૂરોને વિખેરવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો. જો કે, મજૂરોએ જ્યાં સુધી તેમની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી કામ નહીં કરે તેવી ધમકી આપેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.