વાઇબ્રન્ટ ગુજરાતની વરવી વાસ્તવિક્તા : રાજ્યમાં રોજ 22 જણાં આત્મહત્યા કરે છે.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના 2019ના વાર્ષિક અહેવાલમાં એવી ચોંકાવનારા આંકડા જાહેર થયાં છેકે, ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષમાં 7655 નાગરિકોએ વિવિધ કારણોસર આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યુ છે. વાયબ્રન્ટ ગુજરાતમાં  વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે ત્યારે બેરોજગારી, ગરીબીને કારણે ગુજરાતના નાગરિકો આત્મહત્યા કરવા મજબૂર બન્યાં છે.વિકસીત ગુજરાતમાં રોજ 22 જણાં આત્મહત્યા કરે છે.

લાખો યુવાનોને નોકરી-રોજગારી પુરી પાડવામાં આવી છે તેવી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે નેશનલ ક્રાઇમ રેકર્ડના આંકડા કહે છેકે, રોજગારી-નોકરી ન મળતાં 219 બેરોજગારો મોતને વ્હાલ કર્યુ હતુ. રોજગારીના અભાવે અંધકારમય ભવિષ્યની ભિતીમાં 216 પુરુષો અને 3 મહિલાઓએ આત્મ હત્યા કરી હતી.

દેશ વિદેશથી કરોડોનુ રોકાણ આવી રહ્યુ છે અને ઉદ્યોગો ધમધમતા હજારો લોકો માટે નોકરીની ઉજળી તક છે  તેવા વાયદા વચનો આપવામાં આવી રહ્યાં છે ત્યારે વર્ષ 2019માં રાજ્યમાં 106 જણાંએ તો માત્ર ગરીબીને કારણે આત્મ હત્યા કરી હતી. આજની મોંઘવારીમાં જીવન જીવવુ દોહ્યલુ બન્યુ છે ત્યારે ગરીબ પરિવારો આત્મ હત્યા કરવા મજબૂર બન્યાં છે.

ગુજરાતમાં અમદાવાદમાં જ 763 લોકોએ આત્મહત્યા કરી હતી જેમાં 539 પુરુષો અને 224 મહિલાઓનો સમાવેશ થાય છે.વિકસીત ગુજરાતમાં રોજ 22 જણાં આત્મહત્યા કરે છે. કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો કે, આજે ગુજરાતમાં 4.5 લાખ શિક્ષિત બેરોજગારો સરકારી ચોપડે નોંધાયેલાં છે જયારે 30 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો નોંધાયા નથી.

55 હજારથી વધુ નાના મોટા ઉદ્યોગો મૃતપ્રાય અવસ્થામાં છે. ગુજરાતની ઓળખ સમા ઉદ્યોગો આર્થિક પાયમાલીમાં ધકેલાઇ ગયા હતાં. આજે ગુજરાતમાં 58 લાખ ખેડૂતો દેવાદાર છે એટલે આ પરિસ્થિતીનુ નિર્માણ થતા લોકો જીવન ટુંકાવવા મજબુર થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.