વિજય રૂપાણી નું નિવેદન: ભારત અને અમેરિકાની મૈત્રી ટ્રમ્પ આગમનથી મજબુત બનશે


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ટ્રમ્પનું સ્વાગત કરવા માટે રસ્તા પર એકઠાં થયા હતા. ઘણા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ક પહેર્યા હતા, તો કેટલાક લોકો ભારત અને અમેરિકાનો ધ્વજ હાથમાં રાખીને બંને દેશની વચ્ચે મૈત્રીનો સંદેશ આપી રહ્યા હતા. મોટેરા સ્ટેડિયમની બહાર પણ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખૂબ મહત્ત્વની ગણાવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગાંધી, સરદાર અને નરેન્દ્રભાઈની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા ગુજરાતમાં પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ આવ્યા છે, ત્યારે ગુજરાતનું મહત્ત્વ આપણા બધા માટે વધ્યું છે. આજના આ કાર્યક્રમથી ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્ત્વનું સાબિત થયું છે અને ચમકતું પણ થયું છે. હું એમ માનું છું કે, આવનારા દિવસોમાં જ્યારે 21મી સદીની ભારત મહાસત્તા બનવા માટે જઈ રહ્યું છે, ત્યારે તેના પાયાનો આ એક મહત્ત્વનો કાર્યક્રમ બનશે. ભારત અને અમેરિકાની મૈત્રીનો પાયો મજબુત ગુજરાતના આ કાર્યક્રમથી થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકા આજે મહાસત્તા છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ સીધા વોશિંગ્ટનથી અમદાવાદ આવે છે એ ઈતિહાસમાં પહેલીવાર થઇ રહ્યું છે. તેથી ગુજરાતનું મહત્ત્વ વધી ગયું છે. ગુજરાત આજે દેશનું રોલ મોડેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાનું આવનારા દિવસોમાં ભારત અને અમેરિકાની મૈત્રીમાં મહત્ત્વનું યોગદાન રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.