વિજય રૂપાણી નું નિવેદન,કોંગ્રેસે બહુ હરખાય નહી, તેમના પણ ધારાસભ્યો લાઇનમાં જ છે.

કેતન ઇનામદારના રાજીનામાને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌપહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કેતન ઇનામદારની નારાજગી દૂર થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે કહ્યુ કે જે થશે તે સારૂ થશે. તેમણે કહ્યુ કે કેતનભાઇ જવાબદાર ધારાસભ્ય છે. નાના મોટા પ્રશ્નો સરકારમાં થતા હોય છે તેને ઉકેલવા સતત પ્રયત્નશીલ હોઇએ છીએ. સાથે જ ભાજપના ઘણા ધારાસભ્યો નારાજ હોવાના કોંગ્રેસના નિવેદન પર પણ નિશાન સાધતા કહ્યુ કે કોંગ્રેસે આમાં હરખાવા જેવુ નથી. કોંગ્રેસના પણ ધારાસભ્યો લાઇનમાં છે.

સમયની અનુકૂળતા હશે ત્યારે વાત કરીશું : જીતુ વાઘાણી

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેતન ઇનામદાર સાથે સકારાત્મક વાતચીત થઇ રહ્યાનુ જણાવ્યુ છે. જીતુ વાઘાણીએ કહ્યુ છે કે બુધવારે તેમજ આજે પણ તેમની સાથે વાતચીત થઇ છે. તેમણે કહ્યુ છે કે અમારા બંને વચ્ચે સમયની અનુકૂળતા હશે ત્યારે અમે બંને બેઠક કરીશુ. તેમણે કહ્યુ કે ઇનામદારને કોઇ પદની અપેક્ષા નથી. તેમણે કહ્યુ કે વિધાનસભા વિસ્તારની જે કોઇ સમસ્યા હશે તેને લઇને સકારાત્મક ચર્ચા થશે અને તેનો ઉકેલ લવાશે. સાથે જ કેતન ઇનામદારના રાજીનામા બાદ સાવલી અને ડેસરમાં પડેલા રાજીનામાને પણ તેમણે અયોગ્ય ગણાવ્યા છે.

કેતન ઇનામદારને કોંગ્રેસમાં જોડાવવા ઓપન ઓફર અપાઇ છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપમાં ઇમાનદાર લોકો રહી શકે તેમ નથી. આગામી સમયમાં ભાજપમાં અનેક ધારાસભ્ય રાજીનામા આપી શકે છે. તેમણે ભાજપમાં સરમુખત્યારશાહી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે. ધાનાણીએ કહ્યુ કે ભાજપના ઘણા ધારાસભ્યો અમારી પાસે આવી સરકાર સામે બળાપો કાઢી જાય છે. અમે તેમને આશ્વાસન આપીએ છીએ. જનતા હવે જાગી છે, ઇનામદાર લોકો અવાજ ઉઠાવતા થયા છે તેની શરૂઆત સાવલીના ધારાસભ્યએ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.