વિકાસ દુબે એન્કાઉન્ટર કેસઃ યોગી સરકારે SCમાં નોંધાવ્યું સોગંદનામુ

કોર્ટે અથડામણની સીબીઆઈ કે પછી એસઆઈટી તપાસ કરાવવાની અરજી મામલે સરકારનો જવાબ માંગેલો

 

ઉત્તર પ્રદેશ સરકારે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ નોંધાવી દીધું છે. યુપી સરકારના કહેવા પ્રમાણે આ સમગ્ર કેસની તપાસ માટે આયોગની રચના કરી દેવાઈ છે. વિકાસ દુબે એક ખૂંખાર ગેંગસ્ટર હતો જેણે નિર્દયતાપૂર્વક આઠ પોલીસ કર્મચારીની હત્યા કરી હતી. આ એન્કાઉન્ટરને લઈ લોકોના મનમાં અનેક પ્રકારની ખોટી ધારણાઓ છે.

સોગંદનામામાં યોગી સરકારે જણાવ્યું છે કે, વરસાદ અને તેજ ગતિના કારણે વાહન પલટી ગયું હતું. વાહનમાં સવાર પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. વિકાસ દુબેએ ઘાયલ કર્મચારીઓ પૈકીના એકની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેને આત્મસમર્પણ માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેના બદલે તેણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર કેસની તપાસ માટે અમે સમિતિની રચના કરવા અંગે વિચારી રહ્યા છીએ. આ સાથે જ કોર્ટે અથડામણની સીબીઆઈ કે પછી એસઆઈટી તપાસ કરાવવાની અરજી મામલે સરકારનો જવાબ માંગ્યો હતો. કોર્ટે યુપી સરકાર પાસેથી ગુરૂવાર સુધીમાં જવાબની માંગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે જે રીતે કોર્ટે હૈદરાબાદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના મોનિટરિંગ અંતર્ગત તપાસનો આદેશ આપેલો તે જ રીતે અમે આ કેસમાં પણ વિચારી રહ્યા છીએ. આ વર્ષની શરૂઆતમાં હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં પોતાના આદેશનો હવાલો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમે કશુંક કરી શકીએ છીએ જેમ અમે ત્યાં કર્યું હતું.

મુંબઈના વકીલ ઘનશ્યામ ઉપાધ્યાય અને વકીલ અનૂપ અવસ્થીએ આ કેસ મામલે જનહિતની અરજી દાખલ કરી છે. અરજીમાં યુપી પોલીસની ભૂમિકાની તપાસની માંગ કરવામાં આવી છે. જો કે તે અરજી અથડામણ પહેલા મોડી રાતે નોંધાઈ હતી જેમાં વિકાસ દુબેનું એન્કાઉન્ટર થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.