માયાવતીના મતે ઉચ્ચ સ્તરીય તપાસથી પોલીસ અને ગુનાહિત રાજકીય તત્વોની સાંઠગાંઠને ઓળખીને તેનો પર્દાફાશ કરી આકરી સજા આપી શકાશે
ગુનાખોરીની દુનિયામાં પોતાને કિંગ સમજતા ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેનો ખેલ ખતમ થઈ ગયો છે. જો કે અંતિમ ઘડી સુધી તેનો ગુમાન ઘટ્યો નહોતો. આ તરફ વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ રાજકીય બખેડો વધુ ઉગ્ર બન્યો છે. આઠ પોલીસ કર્મચારીની હત્યા માટે જવાબદાર વિકાસ દુબેના એન્કાઉન્ટરની સાથે જ રાજકીય કોરિડોરમાં ધમાલ મચી છે.
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ વિકાસ દુબેના એન્કાઉન્ટરને લઈ રાજકારણ ચાલુ કર્યું છે. અખિલેશ યાદવ બાદ હવે બસપા અધ્યક્ષ માયાવતીએ પણ ટ્વિટ કરીને એન્કાઉન્ટર મામલે સવાલો કર્યા છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘કાનપુર પોલીસ હત્યાકાંડ અને તેની સાથે જ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેને આજે મધ્ય પ્રદેશથી કાનપુર લાવતી વખતે પોલીસની ગાડી પલટી ગઈ, તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે યુપી પોલીસે તેને ઠાર માર્યો વગેરે સમગ્ર કેસની માનનીય સુપ્રીમ કોર્ટના મોનિટરિંગ અંતર્ગત નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.’
અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, ‘આ ઉચ્ચ સ્તરીય તપાસ એટલા માટે પણ જરૂરી છે કે કાનપુર નરસંહારમાં શહીદ થયેલા આઠ પોલીસ કર્મચારીના પરિવારને યોગ્ય ન્યાય મળી શકે. સાથે જ પોલીસ અને ગુનાહિત રાજકીય તત્વોની સાંઠગાંઠને ઓળખીને તેનો પર્દાફાશ કરી આકરી સજા અપાવી શકાય. આવા પગલા વડે જ યુપીને અપરાધમુક્ત બનાવી શકાશે.’
આ સમગ્ર કેસ મામલે રાજકારણ ભલે ગરમાયું હોય પરંતુ આઠ પોલીસ કર્મચારીના હત્યારા વિકાસ દુબેને તેના કર્મની સજા મળી ચુકી છે અને તે ગુનાનો આખરી અંત શું હોય છે તેનું સૌથી મોટું ઉદાહરણ બન્યું છે. પોલીસ વર્દીમાંથી લોહી વહેવડાવનાર વિકાસ દુબે સામે મૃત્યુ સાક્ષાત હતું છતા પણ પોતાની દબંગગિરી અને ચાલાકીમાંથી પાછો નહોતો પડ્યો. જો કે આખરે તે યુપી પોલીસના હાથે ઠાર મરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.