વિકાસ દૂબેની કાળી કમાણીનું રહસ્ય હવે ખુલશે, કાનપુર પોલીસે જય વાજપેયીને ઝડપી લીધો

– પ્રશાંત શુક્લા પણ ઝડપાયો

કાનપુર શૂટ આઉટના મુખ્ય આરોપી વિકાસ દૂબેના સાથીદાર મનાતા જયકાંત વાજપેયી અને પ્રશાંત શુક્લાને કાનપુર પોલીસે ઝડપી લીધા હતા. જયકાંત વિકાસનાં નાણાંનો હિસાબ અને વહીવટ સંભાળતો હોવાનું કહેવાય છે.

જયકાંતની ધરપકડથી વિકાસની કાળી કમાણી અને બેનંબરી ધંધાની વિગતો જાણવા મળશે એમ પોલીસ માને છે.

પોલીસે એેવો દાવો કર્યો હતો કે બીજી-ત્રીજી જુલાઇએ જ્યારે વિકાસે આઠ પોલીસને ઢાળી દીધા ત્યારે જય અને પ્રશાંત પણ વિકાસની સાથે હોવાના પુરાવા મળ્યા હતા. પહેલી જુલાઇએ વિકાસે અન્ય સાથીદારો જોડે જય અને પ્રશાંતને પણ ફોન કરીને કાનપુર બોલાવ્યા હતા અને આ બંને વિકાસના ફોન પછી કાનપુર પહોંચી ગયા હતા.

પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે બીજી જુલાઇએ વાજપેયીએ વિકાસને રોકડા બે લાખ રૂપિયા અને રિવોલ્વરના પચીસ જીવંત કારતૂસનો હારડો આપ્યો હતો. આઠ પોલીસની હત્યા બાદ વિકાસ અને એના સાથીદારો સુરક્ષિત રીતે નાસી જઇ શકે એ માટે ત્રણ લક્ઝરી કાર્સની વ્યવસ્થા પણ જયકાંતે કરી આપી હતી. જો કે અત્યંત કડક પોલીસ જાપ્તાના કારણે વિકાસ એ કાર્સ દ્વારા નાસી જઇ શક્યો નહીં.

એક અહેવાલ મુજબ આજથી આઠેક વર્ષ પહેલાં એક સમયે જય માત્ર ચાર હજાર રૂપિયાના પગારે એેક પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતો હતો. અહીંજ એ વિકાસના સંપર્કમાં આવ્યો હતો અને વિકાસે એની ઉપયોગિતા સમજી લઇને એેને પોતાની ટોળીમાં ભરતી કરી દીધો હતો.

વિકાસના ગામના લોકો કહે છે કે જયકાંતે સૂચવ્યા મુજબ વિકાસે પોતાના બે નંબરી નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું. એણે જમીનમાં પૈસા રોકવા ઉપરાંત લોકોને વ્યાજે પૈસા ધીરવાનો ધંધો શરૂ કર્યો હતો. વિકાસની સાથે રહીને જય પણ અઢળક સંપત્તિનો માલિક બની ગયો હતો. પોલીસ કહે છે કે જયની પાસે કાનપુરમાં અઢળક સંપત્તિ છે.

હવે જયની ધરપકડ થઇ જતાં એના વિકાસ સાથેના બે નંબરના ધંધા અને વિકાસની તેમજ જયની બે નંબરી આવકની વિગતો પોલીસને મળશે.

વિકાસ અને એના જયકાંત જેવા સાથીદારોની સંપત્તિની તપાસ કરવાની જવાબદારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સોંપી દેવામાં આવી હતી. પોલીસનો દાવો સાચો માનીએ તો વિકાસ અને જયપાસે કાનપુર ઉપરાંત ઉત્તરાખંડ, મુંબઇ, નોએડા વગેરે સ્થળોએ બે ડઝનથી વધુ પ્લોટ્સ અને મકાનો છે. દૂબઇ અને બેંગકોકમાં પણ આ લોકોની 25 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હોવાનો દાવો પોલીસે કર્યો હતો. જય વાજપેયી કાનપુરના એક બહુ મોટા ઉદ્યોગપતિ અને વિકાસ માટે પ્રોપર્ટી ડિલીંગ અને મની લોન્ડરીંગનું કામકાજ કરતો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.