‘ભારતમાં આતંકી હૂમલા કરતાં રોડ પરના ખાડાને લીધે વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે અને આ બાબતે તંત્રની બેદરકારી અત્યંત ભયજનક છે’ તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૮માં અવલોકન કરાયું હતું. રોડ પરના ખાડાને મુદ્દે સુપ્રીમ કોર્ટની આ કડક શબ્દોમાં ટકોર છતાં તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી. ગુજરાતમાંથી જ પાંચ વર્ષમાં ૮૨૫ વ્યક્તિના રોડ પરના ખાડાને લીધે મૃત્યુ થયા છે. આમ, એક વર્ષમાં સરેરાશ ૧૬૫ વ્યક્તિ રોડ પરના ખાડાને લીધે પોતાનો જીવ ગુમાવે છે.
2017માં સૌથી વધારે લોકોના મોત થયા
રોડ પરના ખાડાને લીધે થતાં મૃત્યુઆંકમાં શનિવારે વધુ વધારો થયો હતો. જેમાં ૧૮ વર્ષીય યુવતી ગરબા રમી પરત ફરી રહી હતી ત્યારે રોડ પરના ખાડામાં તેનું એક્ટિવા સ્લિપ થઇ ગયું હતું અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૭ દરમિયાન રોડ પરના ખાડાને લીધે જે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં ગુજરાત ચિંતાજનક રીતે ચોથા સ્થાને રહ્યું હતું. રોડ પરના ખાડાને લીધે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ૯૮૭ના, મહારાષ્ટ્રમાંથી ૭૨૬ના, હરિયાણામાંથી ૫૨૨ના જ્યારે ગુજરાતમાંથી ૨૨૮ના મૃત્યુ થયા હતા. સમગ્ર દેશમાંથી કુલ ૩૬૦૦ વ્યક્તિઓએ રોડ પરના ખાડાને લીધે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
વર્ષ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૬ દરમિયાન ગુજરાતમાંથી ૫૯૭ વ્યક્તિઓએ જ્યારે સમગ્ર દેશમાંથી ૧૧૩૮૬ વ્યક્તિઓએ રોડ પરના ખાડાને લીધે જીવ ગુમાવ્યો હતો.આ સમયગાળામાં જ્યાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. ઉત્તર પ્રદેશમાંથી ૭૪૨૮ના, મહારાષ્ટ્રમાંથી ૧૪૧૦ના, પશ્ચિમ બંગાળમાંથી ૭૮૩ના, બિહારમાંથી ૬૫૯ના, આંધ્ર પ્રદેશમાંથી ૪૯૭ના, તામિલનાડુમાંથી ૪૮૧ના, રાજસ્થામાંથી ૪૪૦ના જ્યારે પંજાબમાંથી ૩૬૭ના રોડ પરના ખાડાને લીધે મૃત્યુ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.