– પ્રિયંકા અને રાહુલ ગાંધીએ ભાજપની આકરી ટીકા કરી
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગાઝિયાબાદના પત્રકાર વિક્રમ જોશીના પરિવારને રૂપિયા દસ લાખ અને વિક્રમની પત્નીને સરકારી નોકરીની ઑફર કરી હતી.
ગાઝિયાબાદના પત્રકાર વિક્રમ જોશીની ભાણેજની વારંવાર ગુંડાઓ દ્વારા થતી છેડતીના પગલે વિક્રમે પ્રતાપ વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુંડાઓ સામે પગલાં લેવાને બદલે વિક્રમે ફરિયાદ કરી હોવાની માહિતી ગુંડાઓ સુધી પહોંચાડી હતી એેવો આક્ષેપ પોલીસ પર થઇ રહ્યો હતો.
સોમવારે સાંજે વિક્રમ પોતાની બહેનના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે ગુંડાઓએ એની બાઇકને આંતરી હતી. પહેલાં એને ઢોરમાર માર્યો હતો અને ત્યારબાદ એના માથામાં ગોળી મારી દીધી હતી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન વિક્રમનું મરણ થયું હતું. એ પછી સફાળી જાગેલી પોલીસે સીસીટીવીના આધારે આઠ નવ જણની ધરપકડ કરી હતી. જો કે હત્યારો મનાતો આકાશ બિહારી નામનો યુવાન હજુ પકડાયો નહોતો.
દરમિયાન મિડિયા રિપોર્ટ જોઇને રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિક્રમ જોશીના પરિવારને રૂપિયા દસ લાખના વળતરની અને સદ્ગત વિક્રમની પત્નીને સરકારી નોકરીની ઑફ કરી હતી.
આ બાજુ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને તેમના ભાઇ રાહુલ ગાંધીએ ભાજપની અને ખાસ તો ઉત્તર પ્રદેશની સરકારની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું, ભાણેજની છેડતી કરનાર સામે ફરિયાદ કરનારા પત્રકાર વિક્રમ જોશીએ જાન ગુમાવ્યો… સદ્ગતના પરિવારને હું સાંત્વના પાઠવું છું. યોગીએ રામરાજ્યનો વાયદો કર્યો હતો પરંતુ આપ્યું ગુંડારાજ..વાદા કિયા થા રામ રાજ કા દિયા ગુંડારાજ…
છેલ્લાં પંદર દિવસમાં ઉત્તર પ્રદેશમાં અંધારી આલમને લગતી બે મોટી ઘટના બની ગઇ. પહેલાં વિકાસ દૂબે કાંડ થયો અને હવે વિક્રમ જોશીની હત્યા થઇ એટલે વિપક્ષોને ભાજપની અને ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરવાની તક સામે ચાલીને મળી ગઇ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.