રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આજે બુધવારે સવારે વિરોધ પક્ષોની ગેરહાજરીમાં વિદેશી દાન લેવડદેવડ સુધારા ખરડો (Foreign Contribution (Regulation) Amendment Bill) આરામથી પસાર કર્યો હતો. અગાઉ આ ખરડો લોકસભામાં પસાર થઇ ચૂક્યો હતો.
વિદેશી દાનફાળો મેળવતી એનજીઓના કામકાજને આ ખરડાથી સીધી અસર થશે. રાજ્યસભામાં આ ખરડા પર થયેલી ટૂંકી ચર્ચા દરમિયાન ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે કહ્યું હતું કે એનજીઓના કામકાજને પારદર્શક બનાવવા માટે આ ખરડો લાવવો જરૂરી બની ગયું હતું. તેમણે કહ્યું કે વિદેશોમાંથી મળતા દાનફાળાનો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં કે ગેરકાયદે પ્રવૃત્તિમાં ઉપયોગ ન થાય એની તકેદારી રાખવા આ ખરડો લાવવામાં આવ્યો હતો.
આ ખરડો કોઇ એનજીઓને ડરાવવા કે ધમકાવવા માટે નથી એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. વિદેશી દાનફાળો ભારતના સાર્વજનિક જીવન પર હાવી ન થઇ જાય એટલા માટે કાયદામાં આ સુધારો જરૂરી જણાયો હતો. ભારતની આંતરિક સુરક્ષા અને અખંડિતતાને અકબંધ રાખવા વિદેશોમાંથી અહીં ઠલવાતાં નાણાં પર નજર રાખવી જરૂરી બની ગઇ હતી. નિત્યાનંદ રાયના આ ખુલાસા પછી રાજ્યસભાએ મૌખિક મતદાન દ્વારા આ ખરડો મંજૂર કર્યો હતો. દેશના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બની રહ્યું હતું જ્યારે વિરોધ પક્ષોની ગેરહાજરીમાં સરકાર પોતાને યોગ્ય લાગે એવા ખરડા પસાર કરી રહી હતી.
નિત્યાનંદ રાયે વધુમાં કહ્યું હતું કે જે એનજીઓ વિદેશી દાન મેળવતી હોય તેમણે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામા્ં ખાતું ખોલાવવાનું રહેશે . એ માટે દિલ્હી આવવાની જરૂર નથી. દેશની કોઇ પણ શાખામાં આ ખાતું ખોલાવી શકો છો. નવા ખરડામાં એનજીઓના વહીવટી ખર્ચને પચાસ ટકાને બદલે 20 ટકા સુધીની મંજૂરી આપવામાં આવી હતી. એનજીઓના રજિસ્ટ્રેશન કે રિન્યૂઅલ માટે સંસ્થાના તમામ પદાધિકારીઓના આધાર કાર્ડની ઝેરો્કસ આપવી ફરજિયાત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.