વિપક્ષો ઇમરાન ખાનને હટાવીને જ જંપશે, ઇસ્લામાબાદ તરફ કૂચની હાકલ કરી

– રવિવારની રેલીમાં હજારો લોકો ઉમટ્યા

પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાન વિરોધી આંદોલન જોર પકડી રહ્યું હોય એવા અણસાર રવિવારે મળ્યા હતા. વિપક્ષોએ રવિવારે યોજેલી રેલીમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા.

આ રેલીમાં વક્તાઓએ ઇસ્લામાબાદ તરફ કૂચ કરવાની હાકલ કરી હતી. વિપક્ષી નેતાઓએ પાકિસ્તાનમાં નવેસર સંસદીય ચૂંટણી યોજવાની હાકલ કરતાં ઇમરાન ખાનની સરકારને ફગાવી દેવાની માગણી કરી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે 2018ની સંસદીય ચૂંટણીમાં ઇમરાન ખાનને પાકિસ્તાની લશ્કરે જીતવામાં મદદ કરી હતી. એ ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ રહી નહોતી.

સદ્ગત વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલે આ રેલીમાં કહ્યું હતું કે વાટાઘાટો કરવાનો સમય ક્યારનો વીતી ચૂક્યો હતો. હવે તો નવેસર ચૂંટણી થાય પછી જ વાટાઘાટ. હવે ઇમરા ખાન કે પાકિસ્તાની લશ્કર સાથે વાતો કરવાનો કશો અર્થ નથી.

થોડા સમય પહેલા લશ્કરી વડા જનરલ બાજવાએ વિપક્ષોને વાટાઘાટ કરવા નોતર્યા હતા એ સંદર્ભમાં બિલાવલ બોલી રહ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમે કહ્યું કે મારા પિતાને ખોટા આરોપોમાં ફસાવવામાં આવ્યા હતા. મરિયમે કહ્યું કે ઇમરાન ખાન વડા પ્રધાન જેવા હોદ્દા માટે ગેરલાયક હતા અને લશ્કરની કઠપૂતળી બની રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.