વિશાખાપટ્ટનમ ગેસ લીક : PM મોદીની આગેવાનીમાં NDMAની બેઠક યોજાઇ

 બેઠકમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, અમિત શાહ અને રાજનાથ સિંહ હાજર રહ્યા

– રાહુલ ગાંધીએ પણ કૉંગ્રેસી કાર્યકર્તાઓને મદદ કરવાની અપીલ કરી

 

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકની ઘટના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, ગૃહમંત્રાલય અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે કહ્યુ કે વડાપ્રધાન કાર્યાલય સમગ્ર પરિસ્થિતિની દેખરેખ કરી રહ્યું છે અને મદદ કરવાના શક્ય એટલા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ પીએમ મોદીએ બધાની સુરક્ષા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

ગેસ લીકની ઘટનાને લઇને વડાપ્રધાન મોદીની આગેવાનીમાં એનડીએમએની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહરાજ્ય મંત્રી કિશન રેડ્ડી હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ટોચના અધિકારીઓની હાજરીમાં પીએમ મોદીએ મદદ કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરવા માટે કહ્યુ છે.

રાહુલે મદદ કરવાની અપીલ કરી

રાહુલ ગાંધીએ ઘટના પર દુખ વ્યક્ત કરતા કૉંગ્રેસ કાર્યકર્તાઓ પાસે મદદ કરવાની અપીલ કરી છે. રાહુલે કહ્યું, હું કૉંગ્રેસના કાર્યકર્તાઓ-નેતાઓને અપીલ કરું છું કે તેઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરે. જે કોઇ પોતાના લોકોને ગુમાવી ચૂક્યા છે, તે લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે હૉસ્પિટલમાં ભર્તી થયેલા લોકો ઝડપી સ્વસ્થ થાય.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યુ કે આજે સવારે વિશાખાપટ્ટનમમાં એક ખાનગી કંપનીમાં ગેસ લિકેજ થવાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. મેં પરિસ્થિતિની તપાસ કરવા માટે આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વાત કરી છે. આ સાથે જ એનડીઆરએફની ટીમોને જરૂરી મદદ કરવા માટે સૂચના આપી છે.

બીજેપીએ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે રાજ્ય સરકારે ઇમરજન્સી મેડિકલ સુવિધા આપવા માટે અને બાકીના ગામમાં બાકી લોકો માટે બચાવ કાર્ય શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઇએ. તમામ સંસાધનોનો બચાવ કાર્યમાં ઉપયોગ થવો જોઇએ. ઝેરી ગેસના લિકેજના કારણે કેટલાય ગામના લોકો ગંભીર જોખમનો સામનો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.