વિશાખાપટ્ટનમના પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થતા આઠના મોત, અનેક બિમાર

વિશાખાપટ્ટનમના પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થતા આઠના મોત, અનેક બિમાર; બેભાન થઇને લોકો રસ્તા પર પડ્યા

અચાનક ગેસ લીકના પગલે સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધીનો માહોલ, લોકો બેભામ થઇને રસ્તા પર અને ગટરોમાં પડ્યા

આરઆર વેંકટપુરમ ગામમાં આવેલ એલજી પૉલિમર ઇન્ડસ્ટ્રીમાંથી ગેસ લીક થયો, આસપાસના ત્રણ કિમી વિસ્તારમાં અસર

વિશાખાપટ્ટનમ,તા. 7 મે 2020, ગુરુવાર

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટનામાં એક બાળક સહિત આઠ લોકોના મોત થયા છે. આ સિવાય અનેક લોકો બિમાર પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાય છે. વહેલી સવારે આ ઝેરી ગેસ લીક થતા સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ટિમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ ઘટના વિશાખાપટ્ટનના આરઆર વેંકટપુરમ ગામમાં આવેલ એલજી પૉલિમર ઇન્ડસ્ટ્રીની છે. આ એક પ્લાસ્ટિક બનાવતો પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાંથી ગુરુવારે વહેલી સવારે ઝેરી ગેસ લીક થયો. જેની અસર આપસાપના ત્રણ કિમી વિસ્તાર સુધી થઇ છે. ઘરોમાં સૂતેલા લોકોને અચાનક ગૂંગળામણ થઇ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. લોકોને કંઇ સમજાયું નહીં કે આ શું થઇ રહ્યું છે. થોડીવાર બાદ લોકો રસ્તા પર આમથી તેમ ભાગવા લાગ્યા. એક તો અંધારુ અમને ઉપરથી શું થઇ રહ્યું છે તેની ખબર પણ નહોતી.

કંપનીની આસપાસના ત્રણ કિમીના વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાઇ. ગેસ એટલો ઝેરી હતો કે લોકો બેભાન થઇને ટપોટપ રસ્તા પર પડવા લાગ્યા. કોઇ રસ્તાની બાજુમાં પડ્યા તો વળી કેટલાય લોકો તો ગટરમાં જઇને પણ પડ્યા. રસ્તા પર વાહન લઇને જઇ રહેલા લોકો પણ વાહન સમેત બેભાન થઇને પડી ગયા. થોડીવારમાં પોલીસની ટિમ ઘટના સ્થળ પર પહોંચી અને જાણવા મળ્યું કે બાજુની ફેક્ટરીમાંથી ગેસ લીક થયો છે. પરંતુ ત્યાં સુધીમાં તો અનેક લોકો આ ઝેરી ગેસનો શિકાર બની ચુક્યા હતા. કેટલાય લોકો બેભાન  થયા, તો બાકીના લોકોએ ચામડી પર ફોલ્લા પડ્યા, આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી.

ત્યારબાદ તરત જ પોલીસ અને એનડીઆરએફની ટિમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું. તમામ લોકોને સુરક્ષિત સ્થળોએ લઇ જવાનું કામ શરુ કરાયું. ફેક્ટરીની આસપાસના ત્રણ કિમીના વિસ્તારમાંથી તમામ લોકોને બહાર કઢાયા છે. સ્થિતિ થોડી સામાન્ય થતા લોકો હોસ્પિટલ તરફ દોડ્યા. જે લોકો રસ્તામાં બેભાન પડ્યા હતા તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. બાકી ગટર અને અન્ય જગ્યા પર બેભાન થયેલા લોકોની પણ શોધખોળ કરી. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધારે અસર થઇ છે.

જે આઠ લોકોના મોત થયા છે, તેમાં એક આઠ વર્ષની બાળકી પણ સામેલ છે. ઘટના સ્થળ પર પહોંચેલા એક ઇન્સપેક્ટરે જણાવ્યું કે રસ્તામાં અમેને 50થી પણ વધારે લોકો બેભાન હાલતમાં મળ્યા. કલેક્ટર સહિતનના ઉચ્ચ અધિકારીઓ ગામમાં દોડી ગયા છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પણ ઘટનાસ્થળ પર જવા નિકળી ગયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.