વિશ્વમાં ખોરાક-પાણીનો પુરવઠો ખોરવાશે : યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભયાનક સ્થિતિ

વિશ્વની ૩ અગ્રણી સંસ્થાઓ વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઈઝેશન, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશ અને ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશનએ કોરોનાને કારણે ફૂડ ચેઈન પર થનારી અસરની ચેતવણી આપી છે. આ સંસ્થાઓના કહેવા પ્રમાણે કોરોનાને કારણે વિશ્વનો ખોરાક-પાણીનો પુરવઠો ખોરવાઈ શકે છે. કેમ કે અનેક દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે. માટે પુરવઠો જે ઝડપે અને જે સરળતાથી પહોંચવો જોઈએ એ ઝડપથી પહોંચતો નથી.

અમેરિકામાં સતત વધતા કેસ અંગે ટ્રમ્પે કહ્યું હતુ કે આ અઠવાડિયું નિર્ણયાક છે. અગાઉ ટ્રમ્પે કહ્યું હતુ કે એપ્રિલનો આખો મહિનો નિર્ણાયક સાબિત થશે.

બીજી તરફ લૉકડાઉનમાં લોકો ડરીને મોટા પાયે ખાદ્ય ચીજોની ખરીદી કરી રહ્યાં છે. પરિણામે બજારમાંથી કારણ વગર ખાદ્ય ચીજો ગુમ થઈ રહી છે. ફૂડ અને આરોગ્ય અંગેની વિશ્વની આ સૌથી મોટી સંસ્થાઓએ જે-તે દેશની સરકારને પુરવઠાની ચેઈન બરાબર ચાલુ રહે એ માટે કાર્યવાહી કરવા અપીલ કરી છે. ભારત જેવા દેશમાં જોકે હજુ સુધી ફૂડના પુરવઠાની ખાસ સમસ્યા ઉભી થઈ નથી. પરંતુ જે દેશોમાં ખોરાકની પહેલેથી અછત છે, ત્યાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે એમ છે.

રાષ્ટ્રસંઘે કહ્યું હતું કે વિશ્વ સામે ૭૫ વર્ષ પહેલા ખેલાયેલાં બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ગંભીર સંકટ આવ્યું છે. આ સ્થિતિ અલબત્ત, યુરોપના સંદર્ભમાં છે. ૧૯૩૯થી ૧૯૪૫ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ વખતે યુરોપ આખુ રણમેદાન બની ગયું હતુ અને કરોડો મોત થયા હતા. અનેક દેશો દેવાળિયા બન્યાં હતા. એવી સ્થિતિ ફરીથી સર્જાવાની ભીતી રાષ્ટ્રસંઘે વ્યક્ત કરી હતી. કોરોનાથી એકલા યુરોપમાં અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધારે મોત થયા છે. હજુ થોડા દિવસો પહેલા યુરોપમાં કેસની સંખ્યા પણ ૩૦ હજાર ન હતી. ઈટાલી અને સ્પેન બન્ને દોશમાં કેસની સંખ્યા ૧ લાખને પાર થઈ છે, જ્યારે મૃત્યુઆંક અનુક્રમે ૧૨ હજાર અને ૯ હજારથી વધુ થયો છે.

અમેેરિકામાં ન્યુયોર્કની સ્થિતિ વધારે ગંભીર છે. એકલા શહેરમાં પાંચ હજાર કેસ અને દોઢ હજારથી વધારે મોત નોંધાયા છે. ન્યુયોર્કમાં હેલ્થકેરને અસર ન થાય એટલા માટે અન્ય વિસ્તારોમાંથી ત્યાં એબ્યુલન્સ, ડોક્ટર, મેડિકલ ઈકવિપમેન્ટ મંગાવાઈ રહ્યા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પોતાના દેશમાં વારંવાર પોતાના વિધાનો દ્વારા અને નિષ્ક્રિયતા દ્વારા ભય ફેલાવી રહ્યા છે. ટ્રમ્પે કેટલાક નિર્ણયો સમયસર ન લીધા માટે અમેરિકામાં સ્થિતિ ગંભીર થઈ હોવાનો અમેરિકાના કેટલાક નિષ્ણાતોનો આક્ષેપ છે. બીજી તરફ ટ્રમ્પ એવુ કહી ચૂક્યા છે કે એક-બે લાખ મોત થઈ શકે છે.

કોરોના : વર્લ્ડવાઈડ

  • સ્ટાર વૉર્સ ફેમ બ્રિટિશ એક્ટર એન્ડ્ર્યુ જેકનું ૭૬ વર્ષે કોરોનાથી નિધન થયું હતું.
  • જર્મનીએ લોકડાઉન ૧૯મી એપ્રિલ સુધી લંબાવી દીધું છે.
  • સ્વિડીશ એરલાઈન્સે ફ્લાઈટો કેન્સલ કરી દીધી છે.
  • સિંગાપોરમાં ૭૪ નવા કેસ નોંધાયા છે.
  • કતાર સરકારે જણાવ્યુ છે કે કોરોનાને કારણે કામ બંધ થયુ છે એ કામદારોને પૂરો પગાર ચૂકવાશે.
  • જાપાન પોસ્ટ વિભાગે હાલ પુરતી દુનિયાના ૧૫૦ દેશોમાં ટપાલ ડિલિવરી અટકાવી દીધી છે.
  • તાઈવાન જરૂરિયાત મંદ દેશોને એક કરોડ માસ્ક આપશે.

ન્યુઝિલેન્ડમાં કોરોના ટેસ્ટિંગનો તંબુ ચોરાયો

ન્યુઝિલેન્ડમાં એક ચોરને દુર્મતિ સુઝી હશે એટલે એ કોરોના ટેસ્ટિંગ માટે સરકારે ઉભો કરેલો તંબુ ચોરી ગયો હતો.  પોલીસે આ ચોરને વિનંતી કરી છે, કે ભાઈ તું જ્યાં હો ત્યાંથી પાછો આવી જા. કેમ કે તે તંબુ ચોરીને ગુનો કર્યો છે, તેનાથી મોટું તારી જાતને નુકસાન કર્યું છે. તંબુમાં કોરોનાના વાઈરસ હોવાની શક્યતા છે અને તેનાથી ચોરને જ ચેપ લાગ્યો હોઈ શકે.  આ ચોર પોતે કોરોના ટેસ્ટ કરાવી લે.

કોરોનારહિત દેશ તુર્કમેનિસ્તાનમાં કોરોનાવાઈર શબ્દ પર પ્રતિબંધ

મધ્ય એશિયાઈ દેશ તુર્કમેનિસ્તાન હજુ સુધી કોરોનાવાઈરસથી મુક્ત છે. દુનિયામાં ૨૦૦થી વધારે દેશ છે અને એમાંથી ડઝનેક દેશ એવા છે, જ્યાં હજુ કોરોના પહોંચી શક્યો નથી. તુર્કમેનિસ્તાન તેમાંનો એક છે.

માટે અહીં સરકારે મિડીયામાં કોરોનાવાઈરસ  શબ્દ પર પ્રતિબંધ મુકી દીધો છે. એ ઉપરાંત જાહેરમાં માસ્ક પહેરવાની પણ મનાઈ ફરમાવાઈ છે. જેથી લોકોમાં ભય ન ફેલાય એવુ સરકારનું માનવું છે. જોકે આ દેશ સરમુખત્યારશાહી જેવી શાસન વ્યવસ્થા ધરાવે છે. એ દેશમાં સરકારની ઈચ્છા વગર માહિતી બહાર પહોંચે એ શક્યતા ઓછી છે. નવાઈની વાત એ છે કે પડોશી દેશ ઈરાનમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે, પણ તુર્કમેનિસ્તાન તેનાથી બચી શક્યું છે.

ચીનમાં ફરી ફેલાવાનો ભય

ચીને અત્યારે તો કોરોના પર બહુદ્યા કાબુ મેળવી લીધો છે. પરંતુ વાઈરસની છૂપાઈ રહેવાની આવડત અદ્ભૂત છે. માટે કેટલાક લોકોના શરીરમાં કોરોના હોય તો પણ દિવસો સુધી ખબર નથી પડતી. એ સંજોગોમાં ચીનમાં ફરીથી કામે ચડી ગયેલા લોકો જો કોરાનાના વાહક હશે તો એ અજાણતા વાઈરસ ફેલાવશે. ચીન માટે હવે નવી ચિંતા અજાણતા વાઈરસ ફેલાતો ન રહે એ જોવાની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.