વિશ્વમાં ખ્રિસ્તીઓના તહેવાર ઈસ્ટર પ્રસંગે પોપે પણ કોરોના સામેની લડતમાં લોકોને ઘરોમાં જ રહવેની ભલામણ કરતાં ઈસ્ટરના રવિવારની ઊજવણી ઝાંખી પડી છે. આવા સમયે યુરોપમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 75,000ને પણ વટાવી ગયો છે. અમેરિકામાં પણ વધુ એક દિવસ 24 કલાકમાં 1900થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 21,407 થયો છે. આ સાથે સમગ્ર વિશ્વમાં કોરોનાથી કુલ 1,11,724નાં મોત થયા છે જ્યારે 18,06,440 કેસ નોંધાયા છે. જ્યારે 4,13,222 લોકો સાજા થયા છે.
યુરોપમાં સામાન્ય રીતે ઈસ્ટરની ઊજવણીમાં લાખો લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા માટે એકત્ર થયા હોય છે ત્યારે હાલ કોવિડ-19ના કારણે પોપે લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપી હતી. પરિણામે ઈટાલીથી લઈને પનામા અને ફિલિપાઈન્સ સુધી ચર્ચો ખાલી રહ્યા હતા. હાલ લગભગ અડધું વિશ્વ અંદાજે 4 અબજ લોકો લોકડાઉન છે.
કોરોના વાઈરસની સૌથી ગંભીર અસર યુરોપ પર જોવા મળી છે જ્યાં રવિવારે કુલ મૃત્યુઆંક 75,000થી વધુ થઈ ગયો હતો. યુરોપમાં કોરોનાથી સૌથી વધુ ઈટાલીમાં 19,468, સ્પેનમાં 16,972, ફ્રાન્સમાં 13,832, બ્રિટનમાં 10,612 જ્યારે જર્મનીમાં 2,907 લોકોનાં મોત નીપજ્યાં છે.
બ્રિટનમાં રાહતના સમાચાર એ છે કે વડાપ્રધાન બોરિસ જ્હોનસનને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે જ્હોન્સનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમને આઈસીયુમાં દાખલ કરાયા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, પરંતુ તેઓ તુરંત કામ પર પાછા નહીં ફરે.
યુરોપ ઉપરાંત અમેરિકા કોરોનાના સૌથી મોટા હોટસ્પોટ તરીકે ઊભરી આવ્યું છે. અમેરિકામાં શુક્રવારે 2,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં ત્યારે શનિવારે પણ અહીં 1900થી વધુનાં મોત નીપજ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.