વનસ્પતિ ઘી, દૂધનો પાઉડર અને ખાંડમાંથી નકલી માવો બનાવતી અમદાવાદની 8 સહિત 45 ફેક્ટરીઓ ઝડપાઈ

ગાંધીનગર: અગાઉ મીઠી બરફીના નામે ટેલ્કમ પાઉડરમાંથી બનતા માવાની બે ફેક્ટરીઓ પકડાયાં બાદ આજે રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનરે પાડેલાં દરોડામાં 45 નકલી માવો બનાવતી ફેક્ટરીઓ પકડાઇ છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સૂરત, ભાવનગર વગેરે સ્થળોએ પાડેલાં દરોડામાં માવાને બદલે ભેળસેળવાળી નકલી લુગદી બનાવાતી હોવાનું જાણવામાં આવ્યું હતું.

ગુજરાત ફૂડ અને ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાના જણાવ્યા પ્રમાણે, આ તમામ ફેક્ટરીમાં પકડાયેલો માવો વનસ્પતિ ઘી, દૂધનો પાઉડર અને ખાંડમાંથી બનાવવામાં આવતો હતો. અગાઉ જે માવો પકડાયો હતો તે અખાદ્ય પદાર્થોનો બનેલો હતો કારણ કે તેમાં અખાદ્ય એવો ટેલ્કમ પાઉડર હોવાનું જણાવ્યું હતું. જો કે આ કિસ્સાઓમાં તમામ સામગ્રી ખાદ્યપદાર્થો હતી, તે છતાં માવાના નામે વેચાતો પદાર્થ મૂળભૂત રીતે માવો ન હોવાથી તેને ખાદ્યપદાર્થોમાં ભેળસેળનો ગુનો લાગે છે અને તે હેઠળ કાર્યવાહી કરાઇ છે. આ વસ્તુ દિવાળી દરમિયાન માવા તરીકે વેચીને વેપારીઓ બમણો કે તેથી વધુ નફો કમાય છે તેમ કોશિયાએ ઉમેર્યું હતું.

મહેસાણા જિલ્લામાં અગાઉ બે સ્થળોએ ટેલ્કમ પાઉડરમાંથી બનતો માવો પકડાયો અને હવે આ નકલી માવાના 21 એકમો પકડાયાં છે. મહેસાણા જિલ્લામાં નકલી માવો, ઘી, દૂધના ઉત્પાદનો અને વેચાણની વ્યાપક ફરિયાદો ઊઠી છે, પણ તંત્રએ હજુ જોઇએ તેવા પગલાં લીધાં નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.