રાજ્યના મહેસૂલ વિભાગે, ૨૭ વર્ષ જૂનો ઠરાવ બદલીને ફળાઉ, ઈમારતી લાકડા ઉપજાઉ સહિતના, વૃક્ષો સામે વળતર દરોમાં ૭૦૦ ગણો,કર્યો છે વધારો

જમીન સંપાદન વખતે ખેડૂતોને એક આંબા પેટે રૂ.૧૨૦૦થી રૂ.૧૫૦૦ સુધીનું વળતર ચૂકવતી ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૧ના આરંભે ૧૨મી જાન્યુઆરીથી રૂ.૪૦,૮૦૦, લીમડા સામે રૂ.૧૦૦ને બદલે રૂ.૭,૦૦૦ સુધીનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ ગુજરાતમા બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન સામે ચૂકવાતા વળતરને કારણે પહેલાથી ઘોંચમાં પડયો છે.

રાજ્યના મહેસૂલ વિભાગે ૨૭ વર્ષ જૂનો ઠરાવ બદલીને ફળાઉ, ઈમારતી લાકડા ઉપજાઉ સહિતના વૃક્ષો સામે વળતર દરોમાં ૭૦૦ ગણો વધારો કર્યો છે.

મહેસૂલ વિભાગના ઉપસચિવ હરગોવિંદભાઈ રાઠોડની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં જણાવ્યા મુજબ ઉત્પાદન ખર્ચ, રોપા, કલમની કિંમતો, ખાતર, દવાઓ, ખેત મજૂરોના વેતન- ખર્ચમાં વધારાને ધ્યાને લઈને વૃક્ષોની વધુમાં વધુ શું કિંમત આપી શકાય તે નક્કી કર્યું છે. જેના આધારે સંપાદન અધિકારી સ્વવિવેકપણે નિર્ણય કરશે.

વૃક્ષોને ૭ વર્ષ સુધીની મહત્તમ કિંમત અને ૭ વર્ષથી ઉપરના વૃક્ષની મહત્તમ કિંમત એમ અગાઉના સિધ્ધાંતે જ વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં ૩૬ પ્રકારના ફળાઉ ઝાડમાં ૭ વર્ષ સુધીના હાફુસ, કેસર, રાજપુરી, તોતાપુરી એમ અલગ અલગ પ્રકારના આંબા સામે રૂ.૧૨,૯૦૦થી રૂ.૧૪,૩૦૦ અને ૭ વર્ષથી વધુ વર્ષ જુના આંબાપેટે ખેડૂતોને રૂ.૩૮,૪૦૦થી લઈને રૂ.૪૦,૮૦૦ સુધીનું વળતર મળશે.

ચીકુ સામે મહત્તમ ૩૮,૪૦૦ તેવી જ રીતે જામફળ- નારિયેળીમાં રૂ.૨૦,૦૦૦, ખારેક ટિસ્યુ કલ્ચર રોપામાં રૂ.૧૨,૨૦૦ નક્કી થયા છે. નીલગીરી, લીમડો, કણજ, દેશી બાવળ જેવા ૧૪ પ્રકારના બિન અનામત વૃક્ષોમાં પણ વળતર વધારાયુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.