Wayanad Landslide: કેરળના વાયાનાડમાં મોટી દુર્ઘટના બની છે. વાયાનાડ જિલ્લાના મેપ્પડી પાસે ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારમાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું. અધિકારીઓએ સેંકડો લોકોના માટીના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અત્યાર સુધી 19 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોમાં થોંડારનાવ ગામના રહેનારા નેપાળી પરિવારનો એક વર્ષનો બાળક પણ સામેલ છે. તો મુંડક્કઈ, ચૂરલમાલા, અટ્ટામાલા અને નુલપુઝા ગામ આ ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે.
પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરઆફનું રેસ્ક્યૂ
કેરળ રાજ્યના આપદા નિવારણ વિભાગે જણાવ્યું કે, ફાયર બ્રિગેડ વિભાગ અને એનડીઆરએફની ટીમોને પ્રભાવિત વિસ્તારમાં તૈનાત કરવામા આવ્યા છે. બચાવ અભિયાનમાં મદદ માટે કન્નુર રક્ષા સુરક્ષા કોરની બે ટીમોને પણ વાયનાડ રવાના કરી દેવાઈ છે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને ALH સુલુરને રવાના કરાયું છે.
2-2 લાખ વળતરની જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે આ મુદ્દે વાત કરી હતી અને જીવ ગુમાવનારા પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનની ઘટનાથી હુ વ્યથિત છું. મારી સંવેદનાઓ એ તમામ લોકોની સાથે છે, જેઓએ પોતાના સ્વજન ગુમાવ્યા અને હું ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના કરુ છું. પ્રભાવિત લોકોની સહાયતા માટે બચાવ અભિયાન હજી પણ ચાલી રહ્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે મારી વાતચીત થઈ છે, અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને હું કેન્દ્ર તરફથી શક્ય એટલી તમામ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપું છું. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ભૂસ્ખલનમા માર્યા ગયેલા તમામ લોકોના સ્વજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ માંથી 2-2 લાખના વળતરની જાહેરાત કરી છે, તેમજ ઈજાગ્રસ્તો માટે 50-50 હજાર રકમ આપવાની જાહેરાત કરાઈ છે.
રાહુલ ગાંધીએ કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી
વાયનાડના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વીટર પર લખ્યું, ‘વાયનાડમાં મેપ્પડી પાસે થયેલા મોટા ભૂસ્ખલનથી હું ખૂબ જ દુઃખી છું. મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું આશા રાખું છું કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેઓને જલ્દી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે. મેં કેરળના મુખ્યમંત્રી અને વાયનાડના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને ખાતરી આપી છે કે બચાવ કામગીરી ચાલુ છે. મેં તેમને વિનંતી કરી છે કે તેઓ તમામ એજન્સીઓ સાથે સંકલન સુનિશ્ચિત કરે, કંટ્રોલ રૂમની સ્થાપના કરે અને રાહત પ્રયાસો માટે જરૂરી કોઈપણ સહાય વિશે અમને જણાવે. હું કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરીશ અને તેમને વાયનાડને શક્ય તમામ સહાય પૂરી પાડવા વિનંતી કરીશ. હું તમામ UDF કાર્યકરોને બચાવ અને રાહત કામગીરીમાં વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરું છું.
સેંકડો લોકો કાટમાળ નીચે દટાયા
વાયનાડના મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામો ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે. આ દુર્ઘટનામાં ભૂસ્ખલનના કાટમાળ નીચે સેંકડો લોકો દટાયા હોવાની માહિતી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે સતત ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. અકસ્માત બાદ આરોગ્ય વિભાગ નેશનલ હેલ્થ મિશન દ્વારા કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે અને ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કરવામાં આવ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.