સચિવાલયના ગેટ બંધ થતાં આપે ત્યાં જવાના બદલે સીધા ભાજપ ગુજરાત હેડક્વાર્ટર કમલમ પહોંચી ગયા

સોમવારે બપોરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી (AAP-આપ)એ હોબાળો મચાવ્યો હતો. ભાજપના હેડ ક્વાર્ટર ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ અને કાર્યકરો એકઠા થઈને કમલમનો ઘેરાવ કર્યો હતો. આપની આંદોલનની ગંધ આવી જતા સચિવાલયે દરવાજા બંધ કરાયા હતા. તેવામાં આપે દાવ ઊંધો પાડ્યો હતો અને સીધા જ ગુજરાત ભાજપ હેડક્વાર્ટર વિરોધ કરવા પહોંચી ગયા હતા. જોકે ઘટનાની જાણ થતાં સફાળા જાગેલા ભાજપના નેતાઓ તાત્કાલિક કમલમ દોડી ગયા હતા. જેમાં ગૃહ રાજ્યમંત્રી પણ સામેલ હતા.

AAPના વિરોધ પ્રદર્શનની પહેલાથી જ ગંધ આવી ગઈ હતી.

12મી ડિસેમ્બરે હેડ ક્લાર્કની પરીક્ષાના હતી અને તેના 3 દિવસ પહેલા જ 9મી ડિસેમ્બરે પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લિક થઈ ગયું હતું અને કેટલાક લોકો સુધી પહોંચી ગયું હતું. એટલું જ નહીં સોલ્વ થઈને કેટલાક પરીક્ષાર્થીઓને લાખો રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. આ મામલે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે તેવો પહેલાથી જ સરકારને અણસાર આવી ગયો હતો. જેથી ગાંધીનગર સચિવાલય ખાતે આપ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવા આવશે એવી માહિતીના આધારે સરકારે સચિવાલયના બે સિવાયના તમામ દરવાજા બંધ કરી દીધા હતા.

આપ વિરોધ પ્રદર્શન કે આવેદન આપવા માટે સચિવાલય પહોંચશે એવી દહેશતમાં તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. એટલું જ નહીં, આપના વિરોધ પ્રદર્શનને દબાવી દેવાની પૂરતી વ્યવસ્થા પહેલાથી જ કરી દેવાઈ હતી. જો કે ચાલક આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ખાનગી જગ્યાએ એકઠા થયા હતા અને સીધા જ સચિવાલય તરફ કૂચ કરવાને બદલે સીધા જ ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ હેડક્વાર્ટર કમલમમાં ઘૂસી ગયા હતા.

આપના પ્લાનમાં પરિવર્તન સાથે જ કમલમના દરવાજા પણ આપ માટે ખુલ્લા હોવાથી આપના પ્રદર્શનકારીઓ સીધા જ કમલમના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા. ત્યાં જોરશોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેવી સ્થિતિમાં કમલમમાં રહેલા ભાજપ કાર્યકરોએ આશ્ચર્યમાં મૂકાયા હતા. જો કે, કાર્યકરોએ મોટા નેતાઓને ફોન કરીને કમલમ બોલાવી લીધા હતા અને ભાજપના નેતાઓ અને આપના વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. જેના પગલે આપ કાર્યકરોમાં નાસભાગ મચી હતી અને કેટલાક ઘાયલ થયા હતા તો કેટલાકની પોલીસે અટકાયત કરી હતી. દરમિયાન આપ અને ભાજપ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મારો ચાલ્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.