કોરોના વાયરસના કેસ વધતા સરકાર તરફથી યુદ્ધના ધોરણે ગાઈડલાઈન્સ લાગુ કરી દેવામાં આવી છે. રાત્રીના 10 વાગતા જ રાજકોટ પોલીસનો કાફલો જુદા જુદા રસ્તાઓ પર નિયમની અમલવારી માટે ગોઠવાઈ જાય છે. શનિવારે જ્યાં રાજકોટની સ્વાદપ્રેમી પ્રજા બહારનું ફૂડ આરોગતી હોય છે ત્યાં પોલીસ બંદોબસ્ત કડક જોવા મળ્યો અને પોલીસે કેટલાકને રસ્તા વચ્ચે અટકાવીને પૂછપરછ કરી હતી.
પણ પોલીસ ટુકડી જાણે સામાન્ય પ્રજાને પરેશાન કરતી હોય એવું અનેક વખત જોવા મળ્યું છે તો રાજકોટમાં આવેલું જલારામ ફૂડ કોર્ટ નામનું રેસ્ટોરાં રાત્રિના 11.35 વાગ્યા સુધી ધમધમતુ હતું અને પોલીસ કાફલો હાજર હતો છતાં બાજુમાં લોકો આરામથી ચા નાસ્તો કરી રહ્યા હતા. રેસ્ટોરાંથી 50 મીટર દૂર આવેલા કટારિયા ચોકડી વિસ્તારમાં પોલીસ ટીમ ચેકિંગ કરી રહી હતી
છતાં પણ કોઈ ખાખીધારીને આ હોટેલ નજરે ચડી ન હતી અને બહારથી આમ તો રેસ્ટોરાં બંધ હોય એવું દેખાતું હતું. પણ અંદર આરામથી લોકો બેસીને જમી રહ્યા હતા. નાસ્તો કરી રહ્યા હતા. જાણે પોલીસની મીઠી નજર હેઠળ ચાલતું હોય એવો ઘાટ હતો. અંદર કામ કરતા લોકોને પણ જાણે પોલીસનો કોઈ ડર ન હોય એવું જોવા મળ્યું છે. ખાખીના આશીર્વાદ હોય એવું અહીં લાગ્યું હતું. આ એક જ નહીં જામનગર રોડ પર આવેલા આજ રેસ્ટોરાંની બીજી બ્રાંચમાં પણ લોકો કોઈ પ્રકારના ડર વગર નાસ્તો કરી રહ્યા હતા. કોવિડના કેસ રાજકોટમાં દિવસે દિવસે વધી રહ્યા છે. એવામાં આવી બેદરકારી પ્રજાને ભારે પડી શકે છે.
ખાસ કરીને જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવા પર નિયંત્રણ મૂકી દેવામાં આવ્યા છે અને તેમ છતાં રાજકોટ હાઈવે પર શહેરથી તદ્દન નજીકના રેસ્ટોરાં ધમધમી રહ્યા છે. ચેકિંગ માત્ર વાહનોનું જ ન થવું જોઈએ શહેરની તદ્દન નજીકમાં રહેલી આવી રેસ્ટોરાં પર કડક અમલવારી થાય એવી રાજકોટની પ્રજામાં ચર્ચા થઈ રહી છે. જોકે, આ મામલે હજુ સુધી પોલીસે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. રાજકોટમાં પણ ગાઈડલાઈન્સ અનુસાર પોલીસ ટીમ 9.30 આસપાસ રાઉન્ડમાં નીકળી પડે છે અને ખુલ્લી દુકાન અને રેસ્ટોરાં બંધ કરાવે છે. ખાસ વાત એ છે કે, આ જ રેસ્ટોરાંની બ્રાંચ સિટીમાં છે. હાઈવે પર આવેલી બ્રાંચ નજીક પોલીસ ચેકિંગ પણ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.