WHO આગામી 30 દિવસમાં યોગ્ય નિર્ણય કરે, નહીં તો હંમેશા માટે ફન્ડિંગ બંધ : ડોનાલ્ડ ટ્રમ્પ

– અમેરિકાના રાષ્ટ્રપતિએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પત્ર લખીને ફન્ડિંગ બંધ કરવાની ધમકી આપી

કોરોના વાયરસની મહામારીને લઇને અમેરિકાની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માટેની નારાજગી વધી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ અમેરિકા દ્વારા WHOને આપવામાં આવતી ફન્ડિંગ બંધ કરી દીધી છે, આ દરમિયાન ટ્રમ્પે WHO પ્રમુખ ટેડ્રોસ ઘેબ્રેયેસસને એક પત્ર લખ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પત્રમાં લખ્યુ છે કે જો આગામી ત્રીસ દિવસમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પોતાની નીતિ અને સંગઠનમાં મોટા ફેરફાર નહીં કરે તો અમેરિકા પોતાનું ફન્ડિંગ હંમેશા માટે બંધ કરી દેશે. ઉલ્લેખનીય છે કે હાલ અમેરિકા દ્વારા માત્ર થોડા દિવસ માટે જ ફન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

આટલુ જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે પત્રમાં લખ્યુ છે કે અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં પોતાની મેમ્બરશિપને લઇને પણ પુન: વિચારણા કરી શકે છે. અમેરિકા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે WHOએ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં ઘણી બેદરકારી દાખવી છે અને તેમણે ચીનનો પક્ષ લીધો છે, જેના કારણે દુનિયાને સહન કરવું પડી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ પત્રમાં WHO પર આરોપ લગાયો છે કે ડિસેમ્બર, 2019માં વુહાનથી કોરોના વાયરસને લઇને જે પણ રિપોર્ટ્સ સામે આવ્યા હતા તેની અવગણના કરવામાં આવી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અનુસાર, ડિસેમ્બર 2019માં જ જાણવા મળી ગયુ હતુ કે આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે, પરંતુ આ બાબત પર કોઇ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને દુનિયાને પણ તેની ગંભીરતા વિશે ચેતાવણી આપવામાં ન આવી. આ સાથે જ કોઇ પણ દેશે આ પ્રકારની બીમારી વિશે 24 કલાકની અંદર રિપોર્ટ કરવાનું હોય છે પરંતુ ચીને તેમાં પણ બેદરકારી દાખવી હતી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર શાબ્દિક પ્રહારો કરતા પત્રમાં કેટલાક જૂના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં નથી ફેલાતો. ડોનાલ્ડ ટ્રમ્પે પત્રમાં લખ્યુ, WHO આગામી ત્રીસ દિવસમાં કડક પગલાં લે, નહીં તો અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે તેઓ પોતાના દેશના લોકોના ટેક્ષના પૈસા ફન્ડિંગના નામે બરબાદ કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની સૌથી ગંભીર અસર અમેરિકામાં જ જોવા મળી રહી છે, જ્યાં અત્યાર સુધીમાં 15 લાખથી વધારે લોકો કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે જ્યારે 90 હજારથી વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.