WHOના પ્રમુખ ક્વોરન્ટાઇનમાં, કોરોનાના દર્દીનો થયો હતો સંપર્ક

– રવિવારે સોશ્યલ મિડિયા પર પોતે જાહેરાત કરી

– જો કે પોતાને કોરોનાના કોઇ લક્ષણ નથી એવો દાવો પણ કર્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રસ અધનોમે જણાવ્યું હતું કે કોરોનાના એક રોગીના સંપર્કમાં આવ્યા પછી હું ક્વોરન્ટાઇનમાં છું. જો કે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મારા શરીરમાં કોરોનાના એક પણ લક્ષણ જોવા મળ્યા નથી.

રવિવારે સોશ્યલ મિડિયા પર અધનોમે લખ્યું, કોવિડ 19નો ભોગ બન્યો હોય એવા એક રોગીના સંપર્કમાં હું આવી ગયો હોવાની મને જાણ થતાં હું સ્વયં ક્વોરન્ટાઇનમાં આવી ગયો છું. જો કે મારા શરીરમાં કોરોનાનું એક પણ લક્ષણ હજુ સુધી જોવા મળ્યું નથી.

તેમણે માનવજાતને એવી હાકલ કરી હતી કે આ મહામારીના સમયમાં ડૉક્ટરોએ આપેલી સૂચના અને દિશાનિર્દેશનું પાલન કરીને સૌ સાજા સારા રહો, જેથી આ રોગચાળો કાબુમાં લઇ શકાય. કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી ઓછામાં ઓછા 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાની ફરજ પડે છે. હેલ્થ કેર સિસ્ટમ પર કામનું દબાણ ઘટે એટલા માટે પણ આપણે સૌએ અગમચેતી રાખવી જરૂરી છે.

અધનોમે વધુમાં લખ્યું કે અગમચેતીનું પાલન કરીને આપણે સૌ કોવિડ 19ના સંક્રમણની શૃંખલાને તોડી શકીશું. વાઇરસને અટકાવી શકીશું અને હેલ્થ કેર સિસ્ટમ પરના કામના બોજાને ઓછો કરી શકીશું. હુ્ં અને મારા સાથીદારો કમજોર લોકોને સંરક્ષણ આપવા અને વધુ જાનહાનિ થતી રોકવા કટિબદ્ધ છીએ.

અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં સાડા ચાર કરોડથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા હતા અને 12 લાખથી વધુ લોકો મરણ પામ્યા હતા. એકલા અમેરિકામાં એક કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.