AAP સામે 18 કલમો સાથે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ ભાજપના દિગ્ગજ નેતાઓ કેમ ચૂપ છે??

20 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર જઈને પેપર લીક કાંડ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના વિરોધ બાદ ભાજપની મહિલા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પર નશાની હાલતમાં હોવાના અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપના મહિલા નેતાની છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા હતા.

પણ મહત્ત્વની વાત એ છે કે, આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું નથી. ભાજપના નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ પર છેડતી સહિતની 18 કલમો અનુસાર ગુનો દાખલ કરાવ્યો છે. આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. તો કેટલીક જગ્યા પર એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે, જેટલી કલમ સરકારે પેપર લીક કાંડમાં સંડોવાયેલા આરોપીઓની સામે નથી લગાવી તેના કરતા ત્રણ ગણી કલમો આમ આદમી પાર્ટીના કમલમ પર થયેલા વિરોધ બાદ AAPના નેતાઓની સામે લગાવવામાં આવી છે.

આ ઘટના બાદ ભાજપના મીડિયા સેલ દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. એટલે આ બાબતે હવે ભાજપના દિગ્ગજ નેતાઓ કંઈ બોલવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. મહત્ત્વની વાત છે કે, કોઈ પણ ઈશ્યુ વિરોધમાં રહેલા રાજકીય પક્ષ દ્વારા ક્રિએટ કરવામાં આવે એટલે ભાજપના નેતાઓ આ બાબતે બોલવા માટે તૈયાર હોય છે. પણ કમલમમાં થયેલી ઘટના બાબતે ભાજપના નેતાઓ શા માટે એકદમ ચૂપ થયા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે કમલમ પર આમ આદમી પાર્ટીના વિરોધની વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી ત્યારે તેઓ કમલમ પર દોડી ગયા પણ ત્યારબાદ ભાજપની મહિલા નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપો મુકાતા હર્ષ સંઘવી પણ ગાયબ થઇ ગયા હતા.

આમ આદમી પાર્ટીના નેતાઓ પર પોલીસ સાથે અસભ્ય વર્તન કરવા બદલ કલમ 135, કલમ 452, લોક સેવકને પોતાની ફરજ નિભાવવાથી ડરાવવા માટે હુમલો કરવા બદલ કલમ 353, જાતીય સતામણી માટે કલમ 354, કોઈ વ્યક્તિને ખોટી રીતે રોકવા બાબતે કલમ 341, ઈરાદા પૂર્વક ઈજા પહોંચાડવા બાબતે કલમ 323, ગેરકાયદેસર જન સમૂહના સભ્ય બાબતે કલમ 143, એક જગ્યા પર વધારે લોકો એકઠા થવા બાબતે કલમ 144, કલમ 145, ઉપદ્રવ કરવા માટે કલમ 147, ધાતક હથિયારો સાથે હુલ્લડ માટે કલમ 148, ગેરકાયદેસર મંડળીના સભ્યની જવાબદારી બાબતે કલમ 149, મંડળી વિખેરાઈ જવાનો હુકમ આપ્યા બાદ પણ મંડળીમાં જોડાવા બાબતની કલમ 151, હુલ્લડને શાંત કરવાનું કામ કરતા રાજ્ય સેવકો પર હુમલો કરવા બાબતે કલમ 152, જાહેર નોકર દ્વારા આપવામાં આવેલા હુકમનો અનાદર કરવા બાબતની કલમ 188, કલમ 429, શાંતિમાં ખલેલ પહોંચાડવા બાબતે કોઈનું અપમાન કરવા બાબતે કલમ 504 અને કલમ 03 અનુસાર આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.