યસ બેંક કૌભાંડઃ રાણા કપૂરની સેન્ટ્રલ લંડન ખાતેની સંપત્તિ એટેચ કરવા EDની તૈયારી

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની સેન્ટ્રલ લંડન ખાતેની સંપત્તિની સાથે સાથે ઈડી આગામી સપ્તાહમાં તેમની 50 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ પણ અટેચ કરવાની તૈયારીમાં છે. રાણા કપૂરની લંડન ખાતેની સંપત્તિ અટેચ કરવી તે તપાસ એજન્સી દ્વારા વિદેશમાં લેવાનારૂં પ્રથમ પગલું છે. ઈડીએ છ મેના રોજ કપૂર વિરૂદ્ધ ચાર્જશીટ નોંધી હતી જે મુજબ તેમણે કથિત રીતે બેંકનો ઉપયોગ લોનની રકમ વધારવા લાંચ મેળવવા કરેલો.

કપૂરની દીકરી રાખી કપૂર ડોઈટ ક્રિએશન જર્સી લિમિટેડનું સંચાલન કરે છે. તેમાં 83 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે અને તે લંડનમાં ત્રણ સંપત્તિઓ ધરાવે છે જેમાં સાઉથ ઓડ્લે સ્ટ્રીટ ખાતેના ઓફિસ કમ ગેસ્ટહાઉસનો પણ સમાવેશ થાય છે. તેની કિંમત આશરે 107 કરોડ રૂપિયા છે અને તે સિવાય રહેણાંક માટેની સંપત્તિ પણ છે.

જો કે કઈ સંપત્તિને અટેચ કરવામાં આવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. એક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી સપ્તાહે પીએમએલએ અંતર્ગત લંડન ખાતેની એક સંપત્તિને અટેચ કરવામાં આવશે અને તે માટેના દસ્તાવેજ તૈયાર કરી દેવાયા છે. જો કે કપૂરના વકીલે આ મામલે કોઈ પણ જાતની ટિપ્પણી કરવા મનાઈ કરી દીધી હતી.

એન્ટી મની લોન્ડ્રિંગ તપાસ એજન્સીએ કપૂરના પરિવાર અને તેમના દ્વારા સંચાલિત કંપનીઓના સ્વામીત્વવાળી અનેક મોંઘી સંપત્તિઓની વિગતો એકત્રિત કરી છે. તેમાં દિલ્હી, મુંબઈ, ગોવા, લંડન, અમેરિકા, યુકેમાં બંગલો, વિલા, ક્લબ, રિસોર્ટ, એપાર્ટમેન્ટ, ફાર્મલેન્ડ વગેરેનો પણ સમાવેશ થાય છે. તેની કિંમત હજારો કરોડ રૂપિયામાં છે. સમગ્ર કેસ ઉપર નજર રાખતા લોકોના કહેવા પ્રમાણે આ તમામ સંપત્તિ અયોગ્ય કંપનીઓને લોન આપવાના બદલામાં લાંચ તરીકે મેળવવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.