યોગ સાધક ક્યારેય સંકટમાં પણ ધૈર્ય નથી ગુમાવતો, પોતાનું કામ યોગ્ય રીતે કરવું તે પણ યોગઃ PM મોદી

કોરોના આપણા શ્વસન તંત્ર પર હુમલો કરે છે અને યોગ વડે રેસ્પરટરી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ મળશેઃ વડાપ્રધાન

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જણાવ્યું કે, યોગનો સાધક કદી સંકટ સમયે ધૈર્ય નથી ગુમાવતો. યોગનો અર્થ જ ‘समत्वम् योग उच्यते’ એવો થાય છે. અર્થાત, અનુકૂળતા-પ્રતિકૂળતા, સફળતા-વિફળતા, સુખ-સંકટ દરેક પરિસ્થિતિમાં સમાન રહેવું, અડગ રહેવું તેનું નામ જ યોગ. ગીતામાં ભગવાન કૃષ્ણએ યોગની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે- ‘योगः कर्मसु कौशलम्’. અર્થાત, કર્મની કુશળતા જ યોગ છે.

વડાપ્રધાને જણાવ્યું કે, ‘જ્યારે આપણે યોગના માધ્યમથી સમસ્યાઓના સમાધાન અને વિશ્વના કલ્યાણની વાત કરી રહ્યા છીએ તો હું તમને યોગેશ્વર કૃષ્ણના કર્મયોગનું પણ પુનઃસ્મરણ કરાવવા ઈચ્છીશ.

આપણા ત્યાં કહેવામાં આવ્યું છે કે-

युक्त आहार विहारस्य, युक्त चेष्टस्य कर्मसु।

युक्त स्वप्ना-व-बोधस्य, योगो भवति दु:खहा।।

અર્થાત, યોગ્ય ખાણી-પીણી, યોગ્ય રીતે ખેલકૂદ, સૂવા-ઉઠવાની સાચી આદતો તથા આપણા કામ-કર્તવ્યને સાચી રીતે કરવા તે જ યોગ છે.’

વધુમાં જણાવ્યું કે, ‘આપણા ત્યાં નિષ્કામ કર્મને કોઈ પણ જાતના સ્વાર્થ વગર, બધા લોકો માટે ઉપકાર કરવાની ભાવનાને પણ કર્મયોગ કહેવાયું છે. કર્મયોગની આ ભાવના ભારતની રગ-રગમાં વસેલી છે. એક સજાગ નાગરિક તરીકે આપણે પરિવાર અને સમાજ તરીકે એકજૂથ થઈને આગળ વધીશું. આપણે પ્રયત્ન કરીશું કે ઘરે રહીને પરિવાર સાથે યોગને આપણા જીવનનો હિસ્સો બનાવીએ. આપણે જરૂર સફળ અને વિજયી બનીશું.’

યોગ વડે કોરોના સામે લડવામાં મદદ

વડાપ્રધાને જણાવ્યું કે, યોગ કોરોના સામે લડવામાં ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. સમગ્ર દેશને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને સૌને છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને એકજૂથતાનો, વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ ગણાવ્યો હતો. સાથે જ જ્યારે બાળકો, મોટાઓ, યુવાનો, પરિવારના

વડીલો તમામ એક સાથે યોગના માધ્યમથી જોડાય છે તો આખા ઘરમાં ઉર્જાનો સંચાર થાય છે તેમ કહ્યું હતું.

તેમણે આ વખતના યોગ દિવસને ભાવનાત્મક યોગનો અને આપણું બોન્ડિંગ વધારવાનો દિવસ પણ ગણાવ્યો હતો. તેમણે આજના દિવસને વિશ્વ બંધુત્વનો દિવસ ગણાવતા કહ્યું કે, જે આપણને જોડે, સાથે લાવે તે જ તો યોગ છે. જે અંતર ઘટાડે તે યોગ છે. આપણા ફેમિલી બાઉન્ડિંગને વધારવાનો દિવસ યોગ દિવસ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.