સુરત પાસોદરા ચોકડી પાસે “તમે ગાયનું એક્સિડન્ટ કર્યું છે”. કહીને બે અજાણ્યા 200 તેલના ડબ્બા સાથે ટેમ્પો ઉઠાવી ગયા

સુરત પાસોદરા ચોકડી પાસે 200 તેલના ડબ્બા લઇને આવતા ડ્રાઇવરને બે એક્ટીવા ચાલકે ઊભો રખાવ્યો હતો. ટેમ્પોથી ગાયનું અકસ્માત થયુ હોવાનું કહીને ડ્રાઇવરને ગાયની પાસે લઇ જવાના બહાને ગોળ-ગોળ ફેરવવામાં આવ્યો હતો. બે કલાક બાદ ડ્રાઇવર ટેમ્પો પાસે આવ્યો ત્યારે 200 તેલના ડબ્બા ભરેલા ટેમ્પાની ચોરી થઇ ગઈ હતી. આ બાબતે બે અજાણ્યા સામે સરથાણા પોલીસમાં ફરિયાદ થઇ હતી.

બનાવની મળતી વિગતો મુજબ કામરેજના વાવ પાસે રાજેશ્વર રેસીડેન્સીમાં રહેતા અજયકુમાર રાજેન્દ્રભાઇ વસાવા ટેમ્પો ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને વાવથી 200 તેલના ડબ્બા લઇને કતારગામમાં આશીષ એન્ટરપ્રાઇઝમાં આપવાના હતા. આ માટે તેઓ વાવ ગયા હતા. ત્યાંથી સનફ્લાવર તેલના 100 ડબ્બા અને પામ ઓઇલના 100 ડબ્બા ભરીને નવાગામ કામરેજ મહાદેવ એન્ટરપ્રાઇઝમાંથી કતારગામ આવી રહ્યા હતા. અજયકુમાર પાસોદરા ચોકડીથી લસકાણા કેનાલ રોડ ઉપર મંદબુધ્ધિ આશ્રમ પાસે પહોંચ્યા ત્યારે બે અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા અને ગાયનું એક્સીડેન્ટ કર્યું હોવાનું કહીને ટેમ્પો ઊભો રખાવ્યો હતો.

અજયકુમારે એક્સીડેન્ટ થયાનું ના પાડીને ઇજાગ્રસ્ત ગાયને બતાવવા કહ્યું હતું. બંને અજયકુમારને એક્ટીવા પર બેસાડીને લઇ ગયા હતા. રસ્તામાં અજયકુમારે તેના કાકાને ઘટનાની જાણ કરવા ફોન કર્યો ત્યારે બંનેએ તેની પાસેથી ફોન લઇને સીમકાર્ડ કાઢી લીધા હતા. બે કલાક સુધી અજયકુમારને પાસોદરાના વિવિધ વિસ્તારોમાં ફેરવીને પાણી લેવા જઇએ છીએ કહીને ઉતારી દીધો હતો. ત્યારબાદ અજયકુમાર હાઇવે ઉપર ગયો હતો અને ત્યાંથી તેના મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો. બંને ટેમ્પો જ્યાં હતો ત્યાં ગયા તો ત્યાં ટેમ્પો જ ન હતો.અને આ બાબતે તેઓએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે 4.58 લાખની કિંમતના 200 તેલના ડબ્બા તેમજ 2 લાખના ટેમ્પોની ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.