રશિયાએ ધ માર્કર યુજીવી નામનો રોબોટ વિકસાવ્યો, જે એક પ્રકારની સૈન્ય ટેંક છે, જેને કોઇ ઓપરેટરની જરુર નથી.
દિવસે ને દિવસે ટેકનોલોજી ધુનિક બની રહી છે. આટોમેશન અને રોબોટના ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. રોબોટ તમામ ક્ષેત્રમાં હવે માણસોનું સ્થાન લઇ રહ્યા છે. ત્યારે રશિયાએ સંકેત આપ્યા છે કે તેણે યુદ્ધમાં સૈનિકોની જગ્યાએ રોબોટ વાપરવાની તૈયારી શરુ કરી દીધી છે. રશિયાના વરિષ્ઠ સંશોધકોએ દાવો કર્યો છે કે ઝડપી અને ચોક્કસ પરિણામ માટે યુદ્ધમાં સૈનિકોના સ્થાને રોબોટનો ઉપયોગ કરાશે. રશિયાના એડવાન્સ રિસર્ચ ફાઉન્ડેશનના વિટાલી ડેવિડોવે આ મહિને રશિયન મીડિયાને જણાવ્યું હતું કે જીવિત સૈનિકોની જગ્યાએ ધીમે ધીમે રોબોટ મુકવામાં આવશે, જે તેમની સરખામણીમાં વધારે ઝડપથી અને ચોકચાઇ સાથેનું કામ કરશે.
તેમણે આગળ જણાવ્યું કે રોબોટ માણસોની સરખામણીમાં વધારે ઝડપથી નિશાન લગાવી શકે છે, ઉપરાંત માણસોની સરખામણીમાં તેમની સ્પીડ પણ ઘણી વધારે છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં યુદ્ધ માટે તેમનો ઉપયોગ જ શ્રેષ્ઠ સાબિત થશે. આ વર્ષના અંત સુધીમાં રશિયા પોતાના નવા વિકસાવેલા રોબોટ ધ માર્કર યુજીવીનું પરિક્ષણ શરુ કરી દેશે. આ સિવાય અન્ય એક અધિકારીએ જણાવ્યું કે રશિયાએ અત્યાર સુધીના પોતાના યુદ્ધ અનુભવો પરથી રોબોટિક સૈન્ય માટેનો એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. રશિયાને પોતાના નવા ધ માર્કર યુજીવી રોબોટથી ઘણી આશા છે. માર્કર યુજીવી એક પ્રકારની સૈન્ય ટેંક છે, જેને કોઇ ઓપરેટરની જરુર નથી.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન પણ હવે તમામ ક્ષેત્રમાં રોબોટિક્સનો ઉપયોગ વધારવા પર ધ્યાન આપી રહ્યા છે. જેમાં સૈન્ય પણ સામેલ છે. કોરોના મહામારીના આ સમયમાં ચીને પોતાની રોબોટિક્સ ક્ષમતાનો પુરતો ઉપયોગ કર્યો હતો. તો વિશ્વના અન્ય દેશો પણ કોરોના સામે લડવામાં રોબોટનો ઉપયોગ કરી રહ્યા છે. ટૂંકમાં હવે ભવિષ્ય કદાચ રોબોટનું જ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.